આ દેશમાં ૬૦ દિવસ સુધી સૂર્ય આથમતો નથી
June 26, 2025•230 words
આપણે ઉગતા સૂર્યની ભૂમિ જાપાન વિશે તો સાંભળ્યું હશે, પણ ક્યારેય મધ્યરાત્રીના સૂર્યની ભૂમિ વિશે સાંભળ્યું છે ખરા!!!
આર્કટીક સર્કલની ઉત્તરમાં અને એન્ટાર્કટીક સર્કલની દક્ષિણમાં આવેલા ઘણા દેશો તથા પ્રદેશોમાં ઉનાળામાં મધ્યરાત્રીને પણ સૂર્ય દેખાય છે, કેનેડા, ગ્રીનલેન્ડ, ફીનલેન્ડ, નોર્વે, રશિયા, સ્વીડન અને યુએસના અમુક પ્રદેશોમાં લોકો રાત્રીના સૂર્યનો અસાધારણ અનુભવ કરે છે.
યુરોપની ઉત્તરમાં આવેલા નોર્વે દેશને મધ્યરાત્રીના સૂર્યની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળા દરમિયાન નોર્વેમાં લગભગ ૬૦ દિવસ સુધી સૂર્ય આથમતો જ નથી એટલે કે નોર્વેમાં ૨૪ કલાક સૂર્ય પ્રકાશનો અનુભવ કરી શકાય છે. નોર્વેના ઉત્તર ભાગમાં મઘ્ય મેથી જુલાઇના અંત સુધી દિવસ-રાત સૂર્યપ્રકાશ રહે છે અને સૂર્યાસ્ત થતો જ નથી. ધીરે ધીરે સૂર્ય છુપાવા લાગે છે, સમય લંબાતો જાય છે અને નવેમ્બરના અંતમાં સૂર્યોદય થવાનું બંધ થઇ જાય છે. નવેમ્બર અંતથી જાન્યુઆરી સુધી સૂર્યોદય નથી થતો અને પછી પાછો ઉદય થવા લાગે છે. કુદરતના આ અકલ્પનીય ચમત્કારને નિહારવા વિશ્વભરમાંથી લાખો લોકો અહીં મધ્યરાત્રીના સૂર્યના દર્શન કરવા માટે મુલાકાત લે છે.
આવું શા માટે?
જેમ કે આપણે બધા જાણીએ છીએ, પૃથ્વી સૂર્યની ફરતે ૩૬૫ દિવસમાં એક ચક્કર પૂર્ણ કરે છે, ઉત્તરથી દક્ષિણ ધ્રુવની વચ્ચે પૃથ્વી પોતાની અવાસ્તવિક ધરી પર પણ સતત ભ્રમણ કરે છે. પૃથ્વી પોતાની ધરીથી ૨૩ ડિગ્રી સુધી નમેલી છે જેના કારણે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સંપૂર્ણ પ્રકાશવૃત સર્કલ રચાય છે. જેથી ઉત્તર ગોળાર્ધમાં આવેલા નોર્વે તથા અન્ય દેશોમાં ઉનાળા દરમિયાન ચોવિસ કલાક દિવસ જ રહે છે, સૂર્યોદય કે સૂર્યાસ્ત થતો નથી.
(Divyabhaskar Jan 22, 2015)