આ પાનવાળો પાન સાથે ફ્રીમાં કોન્ડોમ આપે છે
June 27, 2025•189 words
પટણા: નંદલાલ સાહ બિહારના કટિહાર જિલ્લાના ફલ્કા બજારમાં પાનનો ગલ્લો ચલાવે છે. સાહ પોતાના ગલ્લાથી જ લોકોને જાગૃત કરી રહ્યા છે. તેમણે લોકોને જાગૃત કરવા માટે એક નવો જ આઈડિયા વિચાર્યો છે. તેમના ગલ્લેથી જે પણ વ્યક્તિ પાન ખરીદે, તેમને તેઓ કોન્ડોમ મફતમાં આપે છે. નંદલાલ દરેક પાન સાથે એક કોન્ડોમ ગ્રાહકોને ફ્રી આપે છે.
નંદલાલનું કહેવું છે કે,’મારા ગલ્લેથી જે પાન ખરીદે છે તેમને હું કોન્ડોમ આપું છું. ફ્રી કોન્ડોમની ઓફરને કારણે ઘરાકીમાં વધારો થયો છે. સાથે જ, હું આ લોકોને વસ્તી વધારા પ્રત્યે જાગૃત કરી રહ્યો છું.’
40 વર્ષના નંદલાલ પોતાના આ પ્રયાસને વસ્તી નિયંત્રણ માટે એક નાનકડી કોશીશ ગણાવે છે. કેટલીક એનજીઓ, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્ઝ અને અન્ય લોકો તેમને મફતમાં કોન્ડોમ આપે છે. પરંતુ ક્યારેક તેમને પોતાના પૈસે કોન્ડોમ ખરીદવા પણ પડે છે. ફ્રી કોન્ડોમથી તેમનો ધંધો પણ વધી ગયો છે. કેટલાક લોકો તો માત્ર કોન્ડોમને કારણે જ પાન ખરીદે છે. તેમણે 300 મહિલાઓને નસબંધી કરાવવા પણ મનાવી છે.
બિહાર દેશના સૌથી ગીચ વસ્તી ધરાવતા રાજ્યોમાં સામેલ છે. સરકાર પણ વસ્તી વધારાને અટકાવવા અનેક પ્રયાસ કરે છે. તેમાં બાળ વિવાહને રોકવા અને ફેમિલી પ્લાનિંગ જેવા કાર્યક્રમો પર જોર અપાય છે.
(નવગુજરાત સમય ૩ જાન્યુઆરી ૨૦૧૫ માંથી સાભાર)