પોર્નોગ્રાફી જોવાથી થતું નુકસાન
June 30, 2025•1,441 words
આજે બધે જ અશ્લલીલ સાહિત્ય કે ચિત્રો મળી શકે છે. જેમ કે ટીવી, ગીતોના વિડીયોમાં, ફિલ્મો અને ઇન્ટરનેટ પર જોવા મળે છે. આજે ઘણા લોકો આપણને મનાવવા ચાહે છે કે પોર્નોગ્રાફી જોવાથી કંઈ નુકસાન થતું નથી. શું એ ખરું છે?
પુખ્ત લોકો પર પોર્નોગ્રાફીની અસર
ભલેને પોર્નોગ્રાફીના ચાહકો કહે કે એ જોવામાં કંઈ ખોટું નથી. પરંતુ એ સાચું નથી. કેમ કે એ ગંદા ચિત્રો જોવાથી લોકોમાં સેક્સ વિષે ખોટા વિચારો બંધાય છે અને તેઓના આચરણમાં એ દેખાઈ આવે છે. એ વિષે કુટુંબો પર સંશોધન અને શિક્ષણનું કામ કરતા સંશોધકોએ કહ્યું: “જેઓ નિયમિત રીતે પોર્નોગ્રાફી જુએ છે તેઓનું સેક્સ પ્રત્યેનું વલણ સામાન્ય કરતાં ભ્રષ્ટ થવાની વધારે શક્યતા રહેલી છે.” બીજો એક રિપોર્ટ કહે છે, “નિયમિત પોર્નોગ્રાફી જોતા પુરુષોમાં બળાત્કાર વિષે ખોટી માન્યતા ફેલાઈ રહી છે. (એ માન્યતા પ્રમાણે તેઓનું માનવું છે કે, સ્ત્રીઓ જ બળાત્કાર કરાવે છે અને તેઓને એ ગમે છે. તેથી બળાત્કારીમાં કંઈ ખરાબી નથી).”
કેટલાક સંશોધકો કહે છે કે નિયમિત રીતે અશ્લલીલ સાહિત્ય વાંચતા હોય કે જોતા હોય તેઓ પોતાના લગ્નસાથી સાથે સામાન્ય સેક્સનો આનંદ માણી શકતા નથી. ડૉ. વિક્ટર ક્લીન પોર્નોગ્રાફીના રસિયાઓને એ વ્યસનમાંથી છોડાવવામાં નિષ્ણાત છે. તેમણે જોયું છે કે લોકો પોર્નોગ્રાફી જોવાનું છોડી દીધા પછી પણ પાછા જોવા લાગે છે. તેઓ પર જો નજર રાખવામાં ન આવે તો, ક્યારેક ક્યારેક ફરી જોવા લલચાય છે, અને છેવટે તેઓ અકુદરતી રીતે સેક્સ માણતા લોકોના ચિત્રો કે ફિલ્મો જોવા લાગે છે. ક્લીન કહે છે કે વ્યક્તિ પણ પછી એની નકલ કરવા લાગે છે. એની સાથે મનોવૈજ્ઞાનિકો પણ સહમત થાય છે. ડૉ. ક્લીન અહેવાલ આપે છે કે “અકુદરતી સેક્સની કોઈ પણ રીતો આ રીતે શીખી શકાય છે. . . . પછી ભલેને એમ કરવાથી દિલ ગમે એટલું ડંખે, છતાં એ મનમાંથી ભૂંસી શકાય એમ નથી.” પછી પોર્નોગ્રાફી જોનારાઓ લંપટ બનીને અકુદરતી રીતે સેક્સ માણવાના અખતરા કરવા લાગે છે, જેના બહુ જ ખરાબ પરિણામો આવે છે.
ક્લીન અંતમાં કહે છે કે આ મુશ્કેલી બહુ જ ધીમે ધીમે શરૂ થાય છે જેની બીજાને જલદી ખબર પડતી નથી. તે કહે છે: “કૅન્સરની જેમ, અકુદરતી સેક્સના વિચારો શરીરમાં ફેલાતા રહે છે અને મનમાં ઘર કરી જાય છે. તેથી પોર્નોગ્રાફીના વ્યસનીના મનમાંથી ગંદા વિચારો કાઢીને તેને પહેલાં જેવી સામાન્ય વ્યક્તિ બનાવવી એ મહા મુશ્કેલ છે. જે પુરુષો પોર્નોગ્રાફી જુએ છે તેઓ સ્વીકારવા તૈયાર નથી કે પોતે એના વ્યસની છે. એવું કાયમ બનતું હોય છે. અને આ રીતે મોટા ભાગે પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થાય છે. ઘણી વખતે છૂટાછેડા થાય છે અને અમુક વાર પતિ-પત્ની સેક્સ માણવાનું પણ છોડી દે છે.”
યુવાનોને થતું નુકસાન
અહેવાલો બતાવે છે કે મોટા ભાગે ૧૨-૧૭ વર્ષના છોકરાઓ પોર્નોગ્રાફી જોતા હોય છે. હકીકતમાં ઘણા માટે પોર્નોગ્રાફી જ જાતીય શિક્ષણ લેવાનું એક સાધન છે. એનાથી અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે. એક અહેવાલ જણાવે છે કે, “કાચી વયની છોકરીઓ કુંવારી મા બને છે અને એઇડ્સ જેવા રોગ આ રીતે ફેલાવે છે. પરંતુ અશ્લલીલ સાહિત્ય કદી એવું જણાવતું નથી કે કોઈની પણ સાથે સેક્સ માણવાથી આવું બધું થઈ શકે. એના બદલે એવું જ જણાવાતું હોય છે કે અશ્લલીલ સાહિત્ય કે વિડીયો પ્રમાણે કરવાથી કોઈ નુકસાન થતું નથી.”
અમુક સંશોધકોનું કહેવું છે કે કાચી વયના બાળકો પોર્નોગ્રાફી જુએ તો તેઓનું મગજ કુદરતી રીતે વિકાસ પામવામાં રુંધાઈ જશે. ડૉ. જુડીથ રિસમન એક શૈક્ષણિક સંસ્થાની પ્રમુખ છે. તે કહે છે: “જ્ઞાનતંતુનો અભ્યાસ કરવાથી જોવા મળે છે કે મગજમાં ગંદા ચિત્રો અને દૃશ્યો અથવા એવી ભાષા સંભળાય એટલે તરત જ મગજ એ દિશામાં દોડી જાય છે. પછી ભલેને એ જોવાની મના કરવામાં આવી હોય, તોપણ એ મગજ પર રાજ કરવા લાગે છે. એની બાળકો પર બહું જ ખરાબ અસર પડે છે. તેઓનું મન [કોરી પાટી] જેવું હોવાથી એમાં બધું જ તરત જ છપાઈ જાય છે. તેથી, તેઓ એ સમજી શકતા નથી કે પોતે જે જુએ છે એની તેઓના મન, તંદુરસ્તી, અને સુખી જીવન પર શું અસર થશે.”
સંબંધો પર કેવી અસર થશે
પોર્નોગ્રાફી જોવાથી વ્યક્તિના મન અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. એ ચિત્રો ખૂબ લોભામણાં હોય છે. એ ખરેખર હોય એના કરતાં મનમાં ખૂબ ગંદા વિચારો ઉશ્કેરે છે. (“તમે કોનું માનશો?” બૉક્સ જુઓ.) એક રિપોર્ટ કહે છે કે, “જેઓ ગંદા ચિત્રો કે પોર્નોગ્રાફી જોતા હોય છે તેઓ શેખચલ્લીની જેમ મનમાં ખોટી ધારણાઓ બાંધે છે અને પછી એમ ન થાય એટલે સંબંધો બગડવા લાગે છે.”
જેઓ પોર્નોગ્રાફી જુએ છે તેઓ પોતાના લગ્નસાથી તરફથી માન અને વિશ્વાસ ગુમાવી બેસે છે, જે સુખી લગ્નજીવનમાં ખૂબ જ જરૂરી છે. કેમ કે એ હંમેશાં છાનીછૂપી રીતે જોવામાં આવે છે અને એ સંતાડવા કાયમ જૂઠું બોલવું પડે છે. એનાથી લગ્નસાથીને વિશ્વાસઘાત થયો હોય એવું લાગે છે. તેથી, તેઓ સમજી નથી શકતા કે તેમના લગ્નસાથીનો પોતાનામાંથી રસ કેમ ઊડી ગયો છે.
ઈશ્વર સાથેનો સંબંધ તોડે છે
અશ્લલીલ ચિત્રો જોવાથી કે સાહિત્ય વાંચવાથી ઈશ્વર સાથેનો સંબંધ તૂટી શકે છે.* એ ઈશ્વર સાથેના સંબંધમાં સૌથી મોટી અડચણ બની શકે. બાઇબલ વાસનાને દ્રવ્યલોભ અને મૂર્તિપૂજા સાથે સરખાવે છે. (કોલોસી ૩:૫) જે કોઈને પારકી વસ્તુ માટે મોહ હોય તેના જીવનમાં એના સિવાય બીજું કંઈ મહત્ત્વનું હોતું નથી. સાદા શબ્દમાં કહીએ તો, પોર્નોગ્રાફીની લતે ચડી ગયેલી વ્યક્તિ એ સંતોષવા ઈશ્વરને પણ ભૂલી જાય છે. એમ કરવાથી તેઓ પોર્નોગ્રાફીને ભજવા લાગે છે. યહોવાહ પરમેશ્વર હુકમ કરતા કહે છે: ‘મારા સિવાય તમારે બીજા કોઈ દેવોને ભજવા ન જોઈએ.’—નિર્ગમન ૨૦:૩.
અશ્લલીલ ચિત્રો અને સાહિત્ય કુટુંબમાં એકબીજા માટેના પ્રેમને મિટાવી દે છે. પ્રેષિત પીતર પરિણીત હતા. તેમણે ખ્રિસ્તી પતિઓને ખાસ આગ્રહ કર્યો કે ‘તમારી પત્નીઓને ઊંડું માન આપો.’ જો પતિ એ પ્રમાણે નહિ કરે તો યહોવાહ તેની પ્રાર્થનાઓ સાંભળશે નહિ. (૧ પીતર ૩:૭) કોઈ છાનીછૂપી રીતે સ્ત્રીઓનાં અશ્લલીલ અને નિર્લજ્જ ચિત્રો જોતું હોય તો, એમ કર્યા પછી શું તે પોતાની પત્ની સાથે માનથી વર્તી શકશે? જો તેની પત્નીને એની ખબર પડે તો તેને કેવું લાગશે? તેમ જ આપણા મનમાં શું છે એ યહોવાહ પારખી શકે છે, અને તે ‘દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાતનો તથા દરેક કામનો ન્યાય કરશે’ ત્યારે તેમને કેવું લાગશે? (સભાશિક્ષક ૧૨:૧૪; નીતિવચનો ૧૬:૨) આમ, કોઈ અશ્લલીલ ચિત્રો કે ફિલ્મ જોતું હોય તો, તે કઈ રીતે આશા રાખી શકે કે યહોવાહ તેની પ્રાર્થના સાંભળશે જ?
જો વ્યક્તિ કોઈ પણ કિંમતે પોતાની વાસના સંતોષવા પોર્નોગ્રાફી જોયા કરશે તો, તે જરૂર એની વ્યસની થશે. તેથી, પોર્નોગ્રાફી જોવામાં પોતાનું જરાય ભલું નથી. એમ કરવાથી આપણે યહોવાહની નજરમાં શુદ્ધ રહેવાને બદલે હાર માની લઈએ છીએ. એનાથી આપણું નૈતિક પતન થાય છે. એવું ન થાય એ માટે પ્રેષિત પાઊલે લખ્યું: ‘ઈશ્વરની તો એવી ઇચ્છા છે કે તમે વ્યભિચારથી દૂર રહો; તમારામાંનો દરેક પોતાના શરીરને સંયમમાં રાખતાં શીખે, એને પવિત્ર રાખે, એનું ગૌરવ સાચવે, અને એને ભોગનું સાધન ન માને. કોઈ આ બાબતમાં પોતાના ભાઈની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે કે તેને હાનિ ન પહોંચાડે.’—૧ થેસ્સલોનિકા ૪:૩-૭, સંપૂર્ણ બાઇબલ.
પોર્નોગ્રાફી કે ગંદા સાહિત્યો બનાવવા મોટા ભાગે સ્ત્રીઓ અને બાળકો વાપરવામાં આવે છે. એ તેઓને હલકી જાતનાં બનાવે છે. એ તેઓનો હક અને ઇજ્જત લૂંટી લે છે. તેથી, જે કોઈ પોર્નોગ્રાફીનો ઉપયોગ કરે છે તે એવાં કામોને ટેકો આપે છે. એના વિષે સંશોધકો સ્ટીવન હિલ અને નીના સિલ્વર કહે છે: “કોઈ પુરુષ ગમે એટલો સારો હોય તોપણ, જો તેને ગંદું સાહિત્ય જોવાનું ગમતું હોય તો, તે ગમે એટલા સારા કે ખરાબ મુડમાં હશે તોપણ તે પોતાની પત્ની તેમ જ બાળકોને પણ ધિક્કારવા લાગશે. કારણ કે બીજાઓની લાગણીઓ પ્રત્યે તેનું દિલ પથ્થરનું બની ગયું હોય છે.”
પોર્નોગ્રાફીના વ્યસનથી મુક્તિ
તમે પોર્નોગ્રાફીનું વ્યસન છોડી ન શકતા હોવ તો, એ છોડવા ક્યાંથી મદદ મળી શકે? બાઇબલમાંથી મદદ મળી શકે છે! પહેલી સદીમાં ઘણા લોકો ખ્રિસ્તના શિષ્યો બન્યા એ પહેલાં વ્યભિચારીઓ, લંપટ અને લોભી હતા. પરંતુ તેઓ વિષે પછી પાઊલે કહ્યું: ‘તમે શુદ્ધ થયા છો.’ એ કેવી રીતે બન્યું? એનો જવાબ આપતા તેમણે કહ્યું: ‘તમે આપણા દેવના આત્માથી શુદ્ધ થયા છો.’—૧ કોરીંથી ૬:૯-૧૧.
એવું કદી ન વિચારો કે યહોવાહનો પવિત્ર આત્મા કે શક્તિ તમને મદદ કરી શકે એમ નથી. બાઇબલ કહે છે કે “દેવ વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ.” સાચે જ, તે છૂટકાનો માર્ગ પણ રાખશે. (૧ કોરીંથી ૧૦:૧૩) હૃદય ઠાલવીને યહોવાહને પ્રાર્થનામાં તમારી મુશ્કેલી જણાવતા રહો અને તે જરૂર તમને મદદ કરશે. બાઇબલ ઉત્તેજન આપે છે: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.
જોકે પ્રાર્થના કરવી જ પૂરતું નથી. પરંતુ એની સુમેળમાં કામ કરવાની જરૂર છે. તમારે પોર્નોગ્રાફી પ્રત્યે દિલથી ધિક્કાર કેળવવો પડશે. કદાચ તમારા વિશ્વાસુ મિત્ર કે કુટુંબીજન તમને તમારા નિર્ણયને વળગી રહેવા જરૂરી મદદ અને ઉત્તેજન આપી શકે. (“મદદ લો” બૉક્સ જુઓ.) એ ભૂલશો નહિ કે એમ કરવાથી યહોવાહને ખૂબ જ આનંદ થશે. તેમ જ તેમની સાથે દોસ્તી બાંધવા અને તમારા નિર્ણયને વળગી રહેવા તમને મદદ કરશે. (નીતિવચનો ૨૭:૧૧) એ ઉપરાંત, યહોવાહ એવા ગંદા સાહિત્યો અને વિચારોને ધિક્કારે છે એ જાણીને પણ તમે પોર્નોગ્રાફી છોડવા પ્રેરાશો. (ઉત્પત્તિ ૬:૫, ૬) જોકે એનું વ્યસન છોડવું રમત વાત નથી. તેમ જ, એવું પણ નથી કે એની જાળમાંથી છૂટી ન શકાય. તમે એમાંથી છૂટી શકો છો!
સાચે જ અશ્લલીલ સાહિત્યો વાંચવાથી અને જોવાથી ખરાબ અસર થાય છે. પોર્નોગ્રાફીથી નુકસાન થાય છે અને કુટુંબોને બરબાદ કરે છે. તેમ જ એ બનાવનારનાં અને જોનારાઓનાં મન ભ્રષ્ટ કરે છે. પોર્નોગ્રાફી સ્ત્રી-પુરુષનું ઘોર અપમાન કરે છે, એનાથી બાળકોને અનહદ નુકસાન પહોંચે છે. તેથી એ કુટેવને ધિક્કારવી જ જોઈએ.