સાત વર્ષની ઉંમરે સર્જરી કરનારો ને ૧૨ વર્ષે IITમાં ઍડ્મિશન મેળવી ચૂકેલો આ જિનીયસ છે કોણ?
June 19, 2025•1,305 words
હિમાચલ પ્રદેશના નૂરપુર ગામમાં જન્મેલા અને ૧૪૬નો ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ ધરાવતા આ પ્રતિભાશાળી યુવાને નાની ઉંમરે જે-જે પડાવો પાર કરી લીધા છે એ ભલભલાને અચંબિત કરી દે એવા છે.
હિમાચલ પ્રદેશ, એક એવું રાજ્ય જેના સીમાંત વિસ્તાર સુધી તમે પહોંચો એટલે કદાચ વાંચવા મળે, ‘દેવભૂમિ હિમાચલમાં આપનું સ્વાગત છે!’ કેટલીક ચમત્કારિક ઘટનાઓ એવી હોય છે જે ખરેખર જ તમને એ માનવા પર મજબૂર કરી દે કે હિમાચલ ખરેખર જ દેવભૂમિ હશે. નહીં તો તમે જ કહો કે ૧૦ જ મહિનાની ઉંમરે જ્યારે કોઈ સામાન્ય બાળક હજી માંડ ઘોડિયા કરતું કે ભાંખોડિયાં ભરતું થયું હોય ત્યારે ચાલવાનું અને બોલવાનું શરૂ કરી દે તો આપણને આશ્ચર્ય નહીં થાય? આટલું ઓછું હોય એમ વળી માત્ર ૭ જ વર્ષની ઉંમરે કોઈ અનુભવી સર્જ્યનની જેમ દરદીનું ઑપરેશન કરી દેખાડે અને માત્ર ૧૨ જ વર્ષે તો તે IITમાં ઍડ્મિશન મેળવીને ભણવા માંડે તો એ શું અચંબિત કરનારી ઘટના નથી? અને આ બધી જ વાતો થઈ રહી છે એ જ દેવભૂમિ હિમાચલમાં જન્મેલા એક બાળકની. નામ છે અકૃત પ્રાણ જસવાલ, જેણે આવા ચમત્કારો સર્જીને દુનિયાને તો ચોંકાવી જ દીધી છે, સાથે વિશ્વમાં સૌથી નાની ઉંમરે સૌથી વધુ ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ) ધરાવતા છોકરા તરીકે પણ મોખરાના સ્થાને પહોંચી ગયો છે અકૃત!
હજી ગયા અઠવાડિયે જ ભારતના આ તેજસ્વી તારલાની વર્ષગાંઠ ગઈ. તારીખ હતી ૨૩ એપ્રિલ અને સાલ હતી ૧૯૯૩. અર્થાત્, ગયા અઠવાડિયે અકૃત ૩૨ વર્ષનો થયો. આ છોકરાનો ભૂતકાળ જેટલો ગર્વીલો છે એ પ્રમાણે નિઃશંક કહી શકાય કે તેનું ભવિષ્ય પણ ગૌરવની લાગણી જન્માવનારું જ હોવાનું. માત્ર તેનાં મા-બાપ, શહેર કે રાજ્યનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું નામ ઉજ્જવળ કરનારા અકૃતને ચાલો આજે નજીકથી મળીએ. અકૃતે કરેલા એક અકલ્પનીય કાર્યને કારણે તેને એક સાવ અલાયદી ઓળખ મળી છે. આજે વિશ્વ તેને World’s youngest Surgeon! તરીકે ઓળખે છે. શા માટે? કારણ કે આ મહાશયે માત્ર ૭ જ વર્ષની ઉંમરે એક દરદીનું ઑપરેશન કરી દેખાડ્યું હતું. તો ચાલો આજે પહલગામના આતંકવાદી હુમલાથી નિરાશા અને અજંપાથી ઘેરાયેલા આપણા મનને અકૃત સાથેની આ મુલાકાત દ્વારા થોડી સકારાત્મક ગૌરવની લાગણીમાં આળોટવા દઈએ.
હેલો અકૃત,
૧૯૯૩ની સાલની તારીખ ૨૩ એપ્રિલ. હિમાચલ પ્રદેશના નૂરપુરમાં એક મધ્યમ આર્થિક પરિસ્થિતિ ધરાવતો પરિવાર. બાળકના જન્મથી આખા પરિવારમાં ખુશીનું વાતાવરણ હતું. પિતાએ ઘરની આસપાસના લોકોને એક હિમાચલી ફૂલની સાથે ૧૦૦ ગ્રામ મીઠાઈનું પૅકેટ વહેંચ્યું. એ સમયે પિતાને હજી ખબર નહોતી કે તેમના ઘરે જિનીયસ જન્મ્યો છે. જોકે જે વાત પિતાને ખબર નહોતી એ જ વાતની સાબિતી દીકરાએ ખૂબ નાની ઉંમરથી જ આપવા માંડી. અકૃત માત્ર દસ મહિનાનો હતો જ્યારે તે બરાબર પગ માંડીને ચાલતાં શીખી ગયો. એટલું જ નહીં, માત્ર દસ જ મહિનાની ઉંમરે તે બોલતો પણ થઈ ગયો. સામાન્ય રીતે બાળકની આ ઉંમર એવી હોય છે જ્યારે તે હજી પોતાની મા અને પિતાને ઓળખાતો થયો હોય અને માંડ-માંડ ભાંખોડિયાં ભરતો થયો હોય. જોકે અકૃતને તો જાણે બધું કરી લેવાની અને એ પણ વહેલા-વહેલા કરી લેવાની ઉતાવળ હતી. આ હિમાચલી બાળક હજી તો માત્ર બે વર્ષનો થયો હશે ત્યાં તો તે વાંચતો અને લખતો પણ થઈ ગયો.
ઘરમાં ભલે સામાન્ય આર્થિક પરિસ્થિતિ હોય, પણ મા-બાપને પોતાના દીકરાની પ્રતિભા ઓળખવામાં એ ક્યાંય નડવાની નહોતી. પિતા પ્રાણલાલને સમજાઈ ગયું કે તેમનો અકૃત બીજાં સામાન્ય બાળકો જેવો નથી જ નથી, તેનામાં કંઈક તો છે અને એ જે છે એ કંઈક ખાસ છે. પિતા સમજી ગયા હતા કે દીકરો અકૃત બુદ્ધિપ્રતિભામાં સ્વયં મા સરસ્વતીના આશીર્વાદ સાથે જન્મ્યો છે. તેમણે પોતાના બાળકની આ પ્રતિભાને ખીલવા માટે આખું આકાશ ખુલ્લું મૂકી દીધું. જોતજોતાંમાં અકૃત હિન્દી, અંગ્રેજી ભાષાઓ શીખી ગયો અને કડકડાટ વાંચવા જ નહીં બોલવા પણ માંડ્યો. જે ઉંમરે સામાન્ય બાળકો હજી સરખું બોલતાં શીખી રહ્યાં હોય, ABCDની રાયમ્સ ગાઈ રહ્યાં હોય એ ઉંમરે તો અકૃત અંગ્રેજી નૉવેલ્સ અને બીજું સાહિત્ય વાંચતો થઈ ગયો.
વિશ્વનો સૌથી નાનો સર્જ્યન
સાત વર્ષ; હા, અહીં લખવામાં કોઈ જ ભૂલ નથી કે નથી કોઈ પ્રિન્ટિંગ એરર. માત્ર ૭ વર્ષની ઉંમરે અકૃતે એક અસામાન્ય મેડિકલ સર્જરી કરી દેખાડી. આંખો પહોળી થઈ જાય તો માફ કરજો, પરંતુ માત્ર કલ્પના કરો કે માત્ર ૭ વર્ષનું એક બાળક પોતાની જ ઉંમરના બીજા બાળકની સર્જરી કરી રહ્યું છે. તો એ દૃશ્ય કેવું હોય? કારણ કે આ ઉંમરે તો સામાન્ય રીતે બાળકો રમત-રમતમાં ડૉક્ટર બનતાં હોય છે અને રમકડાનું સ્ટેથોસ્કોપ ગળે લગાવીને ડૉક્ટર-ડૉક્ટર રમતાં હોય છે. ઉંમરના એ શરૂઆતી પડાવે અકૃત પોતાના જેટલી ઉંમરનું એક બાળક જે દાઝી ગયું હતું તેની સર્જરી કરી રહ્યો હતો. એટલું જ નહીં, એ સર્જરી તેણે સક્સેસફુલી કરી દેખાડી હતી.
હૉસ્પિટલના સ્ટાફ સહિત ડૉક્ટરો કહેવા માંડ્યા કે આ બાળક નથી, બાળકના રૂપમાં એક જિનીયસ છે. મોઢા પર માસ્ક ઓઢી, હાથમાં સ્ટેપ્લર અને બીજાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ લઈને અકૃત ઑપરેશન થિયેટરમાં સૂતેલા તે બાળકની સર્જરી જે આત્મવિશ્વાસ સાથે કરી રહ્યો હતો એ જોઈને ત્યાંના રેસિડન્ટ ડૉક્ટરોએ કહ્યું કે અકૃતના હાથ જે રીતે કામ કરી રહ્યા હતા એ જોતાં લાગતું હતું કે જાણે તે કોઈ અનુભવી સર્જ્યન હોય. તેણે આઠ વર્ષની એક દાઝી ગયેલી બાળકીના હાથની સર્જરી કરેલી. દાઝી થવાને કારણે તેની આંગળીઓ બળી-વળીને ચોંટી ગયેલી. અકૃતે એ આંગળીઓને છૂટી પાડવાની સર્જરી કરેલી. આ પછી ભારતના વિદ્યાવીરને એક બિરુદ મળ્યું. અકૃત હવે કહેવાવા માંડ્યો વિશ્વનો સૌથી નાની ઉંમરનો સર્જ્યન! એવું નહોતું કે આ એક કરિશ્મા પછી આ તારલાનો ઝગમગાટ આથમી જાય. અરે, આ તો હજી માત્ર શરૂઆત હતી.
વિશ્વનો સૌથી નાની ઉંમરનો યુનિવર્સિટી સ્ટુડન્ટ
સર્જરી પછી આખા ભારતમાં જ નહીં, વિશ્વભરમાં અકૃત જાણીતો થઈ ગયો. અનેક લોકો તેના ઇન્ટરવ્યુ માટે હિમાચલ સુધી દોડી આવ્યા. જોકે જિનીયસ કંઈક અલગ માટીના બન્યા હોય છે. આ બધાથી અકૃતની આંતરિક સફર ક્યાંય અને ક્યારેય અટકવાની નહોતી. તેણે પોતાની અપ્રતિમ કાબેલિયતના બીજા અનેક પુરાવાઓ આપતા રહીને ૧૨ વર્ષની ઉંમરે યુનિવર્સિટીમાં ઍડ્મિશન મેળવી લીધું. ચંડીગઢ યુનિવર્સિટીમાં માત્ર ૧૨ વર્ષની ઉંમરે તો તેણે મેડિકલ સાયન્સ અને રિસર્ચના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો અને ભણતરમાં હરણફાળ ભરવા માંડી. ઍડ્મિશન તો લઈ લીધું, પણ હવે? અકૃતની કાબેલિયત અને અસાધારણ ક્ષમતા હવે વિશ્વ માટે અજાણી નહોતી રહેવાની એ કદાચ હિમાચલના સામાન્ય લોકોને ખબર નહીં હોય, પણ અકૃતને ખબર હતી. પોતાની આખી જિંદગી અનકૉમન પ્રોફેશનલ અચીવમેન્ટ્સ સાથે વિતાવવા છતાં વિશ્વના જે જાણીતા શો માટે ઇન્વિટેશન નથી મળતું એ The Oprah Winfrey Showમાં આવવા માટે અકૃતને આમંત્રણ આપવામાં આવ્યું. અને બસ, વિશ્વના જે લોકોને હજી ભારતના આ અસામાન્ય જિનીયસ બાળક વિશે ખબર નહોતી તેમને પણ જાણ થઈ ગઈ કે ભારતના પહાડી રાજ્ય હિમાચલથી આવતો એક એવો જિનીયસ છે જેના પર સરસ્વતીદેવીના ચાર હાથ છે.
આટલું ઓછું હોય એમ ચંડીગઢ યુનિવર્સિટી બાદ અકૃતે કાનપુરની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી એટલે કે IITમાં ઍડ્મિશન લીધું અને બાયો એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો. માત્ર ૧૭ વર્ષની ઉંમરે જ્યારે તેની ઉંમરના મોટા ભાગના છોકરાઓ હજી સ્કૂલનો અભ્યાસ પૂરો કરી રહ્યા હોય ત્યારે અકૃત રસાયણ વિજ્ઞાનમાં એટલે કે કેમિસ્ટ્રી સાયન્સમાં માસ્ટર્સની ડિગ્રી લઈ ચૂક્યો હતો.
૧૩ વર્ષના એક બાળકના દિમાગમાં તો કેવી બાલિશ કલ્પનાઓના ઘોડા દોડતા હોય! પરંતુ અકૃત જ્યારે ઓપરાના શોમાં ઓપ્રા વિન્ફ્રે સામે બેઠો હતો ત્યારે તેણે તો કોઈ મોટા માણસને પણ શરમાવે એવા વિઝન સાથે કૅન્સરનો ઇલાજ શોધવા વિશે વાતો કરી. આટલી નાની ઉંમરના બાળકનું વિઝન અને ક્લૅરિટી જોઈને ત્યાં લાઇવ શોમાં બેઠેલું ઑડિયન્સ ચકાચોંધ થઈ ગયું. તાળીઓના ગડગડાટ સાથે તે બધાએ અકૃતને અહોભાવથી જોવા માંડ્યો.
હવે આ રીતે જ્યારે કોઈ બાળક અસામાન્ય પ્રતિભા દેખાડે તો સ્વાભાવિક છે કે તેના શહેર, રાજ્ય કે દેશને જ નહીં વિશ્વને પણ એમ થાય કે આ નાનકડા દિમાગમાં એવું તે શું ભર્યું છે કે એ આટલી ઝડપે દોડે છે? આથી અકૃતની IQ ટેસ્ટ લેવામાં આવી. કોઈ માનશે કે આ છોકરાનો IQ છેક ૧૪૬નો દેખાડી રહ્યો હતો. વર્તમાન સમયમાં એવું થતું હોય છે કે સામાન્ય રીતે આવી કોઈ અસામાન્ય પ્રતિભા પૈસા અને ફેમની ચકાચોંધમાં ક્યાંક ખોવાઈ કે અટવાઈ જતી હોય છે, પરંતુ અકૃતની બાબતમાં એક વસ્તુ ખૂબ ઠરેલપૂર્વકની જોવા મળી છે કે તેણે પોતાની આ અસામાન્ય પ્રતિભાને પૈસા અને ફેમ કમાવાનો સરળ માર્ગ બનાવી લેવાની જગ્યાએ કૅન્સરના ઇલાજ અને એ અંગેના રિસર્ચ માટે સમર્પિત કરવાનો નિર્ણય કર્યો છે.
શરૂઆતના સમયથી જ જ્યારે ધરમશાલાના સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના ચૅરમૅનની મેન્ટરશિપ હેઠળ અકૃતે પોતાની આ સફર શરૂ કરી હતી ત્યારે કદાચ તેમને પણ ખબર નહીં હોય કે તેમનો વિદ્યાર્થી આ કક્ષા સુધી આગળ વધી જશે. આજે તો હવે અકૃત ૩૨ વર્ષનો નવયુવાન થઈ ચૂક્યો છે, પરંતુ તે આજેય પોતાના ધ્યેયથી ભટક્યો નથી અને પોતાની અસામાન્ય પ્રતિભાને વિશ્વકલ્યાણના માર્ગે ખર્ચી રહ્યો છે. ભારત આમેય અનેક બાબતે અનન્ય દેશ છે અને એને અનન્ય બનાવે છે આવા જ અકૃત જેવા જિનીયસ દીકરાઓ.
તારીખ: ૦૨-૦૫-૨૦૨૫
આશુતોષ દેસાઈ