તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે?

ગુગલમાં Relation શબ્દ લખી ક્લિક કરી જુઓ. સંબંધની જાતજાતની વ્યાખ્યાઓ અને ભાતભાતના પ્રકારો જોવા – વાંચવા મળશે. એવુંય બને કે તમે ગુંચવાઈ જાઓ કે શું વાંચવુ, શું સમજવું ? છોડો ! આ બધુ, આપણે ફક્ત માનવીય સંબંધો, આપણા રોજીંદા જીવનમાં ઉદય પામતા અને અસ્ત થતા, ભરતી ઓટમાંથી પસાર થતા સંબંધોનીજ વાત કરવી છે. માનવ જીવનના સામાજીક ચક્રને ચલાવવા માટે સંબંધો જરુરી છે. નાના જીવોનું જીવનચક્ર કુદરતી રીતે જ અવિરત ચાલતું રહે છે કારણ કે ત્યાં સમાજ નથી, સમુહ છે અને ખાસ તો પ્રકૃતિગત જરુરીયાતો તથા સામાન્ય લાગણી સિવાય કોઈ અપેક્ષાઓ નથી.

મનુષ્યના જીવનચક્ર અને સંબંધોને આ રીતે જોઈએ –

(1) જીવનનો ઉદય – સ્ત્રીપુરુષનો મર્યાદામાં રહીને બંધાયેલા સંબંધ (પતિ-પત્ની)નું પરીણામ


(2) જીવનની વૃધ્ધિ – માબાપ અને બાળકનો સંબંધ (મા, બાપ, પુત્ર, પુત્રી)


(3) જીવનનો વિકાસ – કુંટુંબના સભ્યોનો સંબંધ (ભાઈ, બહેન, કાકા, કાકી, દાદા, દાદી, અને સમાજના અન્ય સભ્યો સાથે સંબંધ, મિત્રો અને સગાસંબંધીઓ વગેરે)


(4) જીવનના અંત પહેલા જીવનચક્રને ચાલુ રાખવા ફરી પતિ-પત્નીનો સંબંધો અસ્તિત્વમાં આવે અને ચક્ર સદા ફરતુ રહે છે.


આમ જીવનચક્રની ગતિશીલતા અને સાતત્ય જાળવવા સંબંધોનું અસ્તિત્વ અનિવાર્ય છે.

આપણે સૌએ અનુભવ્યું છે કે સંબંધોમાં પણ માનવજીવનની માફક ઉદય, મધ્યાન્હ અને અસ્ત આવતા રહે છે, પણ વ્યવસાયિક સંબંધો સિવાયના સામાજીક સંબંધો ઘણીવાર અસ્ત પામતા દિલમાં દુઃખની લાગણી છોડતા જાય છે. ગુસ્સો, નિરાશા, હતાશા, એકલતા, ઇર્ષ્યા જેવી નકારાત્મક લાગણીઓ ઉભી કરતા જાય છે. આવું થવાનું કારણ તમે ક્યારેય વિચાર્યું છે?

મારું માનવું છે કે આમ થવાનું કારણ સંબંધોના મૂળને – ઉદભવના કારણને આપણે જાણતા નથી અથવા નજર અંદાજ કરીએ છીએ.

એક રોજીંદો પિતા પુત્ર વચ્ચેનો સામાન્ય પ્રસંગ જોઈએ. (આ દાખલો એકદમ સુસંગત ન કહેવાય પણ સમજુતિ માટે ચાલી જાય, એવું હોય તો બુધ્ધી થૉડીવાર બાજુમાં મુકજો)

આખા દિવસની સતત મહેનત, દોડધામ, માનસિક તાણમાંથી પસાર થયેલો પિતા જ્યારે સાંજે ઘેર પાછો ફરે ત્યારે ઘરમાં નાનું બાળક કિલ્લોલતું હોય તેની સાથે બાળક બનીને તે બાળરમતમાં ગુંથાય જાય. આપણે એને ‘પિતૃપ્રેમ’નું નામ આપી દીધું. બીજે દિવસે સવારે એ જ પિતા ઓફીસે જવા તૈયાર થતો હોય, મોડું થઈ ગયું હોય અને પિતૃપ્રેમની ભ્રાંતિમાં લપેટાયેલું બાળક પિતાને વળગવા દોડે ત્યારે પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે.
 આવું કેમ?

જવાબમાં આ જ પ્રસંગને ફરી સમજવાનો પ્રયત્ન કરીએ. થાકી ગયેલા અને માનસિક રીતે ત્રસ્ત પિતાને તે પરિસ્થિતિમાંથી મુક્ત થવું હતું, બાળસહજ પ્રવૃત્તિ કરીને હળવા થવું હતુ, એમ કહોને કે એમ કરવું તેની ‘જરુરીયાત’ હતી. આ જરુરીયાતને આપણે પિતૃપ્રેમનું નામ આપી દીધું. જરુરીયાત સંતોષાઈ ગઈ અને પિતૃપ્રેમ ઓગળી ગયો. મોટાભાગના માબાપો સંતાનો સાથે આવી જરુરીયાતો અને અપેક્ષાઓથી જોડાયેલા છે. વૃધ્ધાવસ્થામાં મારો ટેકો બનશે કે નામ ઉજાળશે એવી ઇચ્છાઓ અને અપેક્ષાઓથી બંધાયેલો આ સંબંધ વિપરીત પરીણામ આપે ત્યારે દુઃખ પહોંચાડે જ. નાનું બાળક પણ પોતાની જરુરીયાત સંતોષવા જાતજાતના નુસખાઓ અજમાવતું હોય છે. તો આવી પરિસ્થિતિમાં પિતાપુત્રના સંબંધનો પાયો શું?

જ્યારે આપણે ‘ઘર’ જેવા સંબંધોનો અસ્ત જોવા માંડીએ ત્યારે ખુંચે છે, પણ એ વિચારતા નથી કે આ ઘર જેવા સંબંધ બંધયો તે વખતે શી પરિસ્થિતિ હતી ? નવી ઓળખાણ થઈ અને મનમાં ઝબકારો થયો કે આ કામનો માણસ છે. આવા સંબંધોમાં ભરતીના મોજા આવવા લાગે છે. પણ જ્યારે કામનો લાગતો માણસ કામ ન આવી ત્યારે એ જ સંબંધમાં ઓટ આવવા માંડે છે – સંબંધના અસ્તનો આરંભ થાય છે. જ્યારે આ સંબંધના અંતે દિલમાં દુઃખ્યુ ત્યારે આપણે એ ન વિચાર્યું કે મારા સંબંધની ઇમારતનો પાયો જ જરુરીયાત કે અપેક્ષા હતી. જો મેં એવી કોઈ અપેક્ષા વગર જ સંબંધ બાંધ્યો હોત તો તેનો અસ્ત થવાથી દુઃખ થવાનો પ્રશ્ન જ ઉભો ન થાત. સામેવાળી વ્યક્તિને પણ આવો જ પ્રશ્ન થાય, તેને પણ લાગે કે પહેલાં તો બહુ રાખતા હતા, હવે શું થયું ? હકીકતમાં તેણે પણ નવો સંબંધ બંધાય ત્યારે વિચારી લેવું જોઈએ કે આ નવો સંબંધ અપેક્ષાઓના પાયા પર તો નથી ને ? જો એવું લાગે તો સંબંધોમાં ભરતી આવે તે પહેલા સ્પષ્ટતાઓ કરી લેવી જોઈએ જેથી સંબંધોની અચાનક જ ભરતી ન આવે અને ઓટ આવવાનો પ્રશ્ન જ ઉભો ન થાય.

જુની પેઢી અને નવી પેઢીના ક્લેશમાં આ સંબંધોની ‘સમજણ’ જ રહેલી છે. નવી પેઢી ના સંબંધો જરુરીયાત કે અપેક્ષા પર રચાયેલા છે અને તેની બેઊ પક્ષોને ‘જાણકારી’ છે જ. આથી જ તેઓને સંબંધોમાં ભરતી ઓટ, ઉદય-અસ્તના પ્રશ્નો નડતા નથી.

શોધી કાઢો કે તમારા કેટલા સંબંધો આમ જરુરીયાતના પાયા પર રચાયેલા છે ? ફક્ત નજર સુક્ષ્મ બનાવવી પડશે.

બસ ! તો સંબંધોના પરિણામે ઉદભવેલી કડવાશને દુર કરવા સંબંધની ઇમારતના પાયાને પારખી લો અને સ્વીકારી લો કે સર્વ અપેક્ષા અને જરુરીયાત હંમેશા સંતોષાતી નથી અને તેનો અંત પણ નથી. આવા જરુરીયાતના પાયા પર બંધાયેલા સંબંધોનો, આપણી લાગણી સાથેનો છેડો ફાડી નાખો. બાકી રહી જશે નિર્મળ અને પ્રેમાળ સંબંધો અને મન શાંત થઈ જશે એ નફામાં !

Source: https://bestbonding.wordpress.com/2013/04/20/relation_1/


You'll only receive email when they publish something new.

More from આર્ટિકલ લોન્જ - Vibes Gujarati
All posts