સુરત

સુરત સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે. આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે.

અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે આ ચા પીવા ઘરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં, ગામ રેઢું ન રહેવું જોઈએ બસ!

જુદાં જુદાં ગામડાંમાંથી માઇગ્રેટ થઈને જુદી જુદી જાતના-ભાતના ને નાતના લોકોએ સુરત પચરંગી બનાવ્યું છે.

એટલે જ તો સુરતનું કોઈ એક કલ્ચર નથી બસ, એ જ તો સુરતનું ‘કલ્ચર’ છે. સુરત કાઠિયાવાડીઓનું ‘અમેરિકા’ છે. સુરતમાં કરોડ કરોડની ગાડીવાળા પણ મોજમાં છે તો રિક્ષાવાળો પણ ઉદાસ નથી.

અહીં દરેક માણસ પોતાને પરવડે એવી મોજની ખોજ કરી લ્યે છે. એટલે જ તો આ શહેર રાતે નથી વધતું એટલું દિવસે વધે છે.

સુરતમાં અગિયારસો રૃપિયાની થાળી લગ્નપ્રસંગમાં જમાડવાવાળા કેટરિંગનું પણ ચાલે છે તો ફૂટપાથ પર પાણીપૂરી વેચનારો પણ ફ્રી નથી.

અહીં ફૂટપાથ કોઈની પણ મંજૂરી વગર ચાની લારી માટે પાંચ પાંચ લાખમાં કોઈ પણ જાતના દસ્તાવેજ વગર મરદની મૂછ માથે વેચાઈ જાય છે.

એક વાર નર્કમાં કેટલાક લોકો આરામથી વડલા હેઠે પાણાનું ઓશિકું કરીને ઘસઘસાટ સૂતા હતા. ચિત્રગુપ્તે યમરાજાને પૂછયું કે, “આ કોણ છે!” યમરાજ કહે, ” આ સુરતના લોકો છે, સાલ્લા ગમે ત્યાં સેટ થઈ જ જાય છે!” સુરતમાં જે હાલે એ આખા ગુજરાતમાં ચાલે.

સુરત વાસીઓ માટે લખેલી એક હળવીફૂલ કવિતા માણો.
એક હાથમાં ફૂલડાં રાખે, બીજા હાથમાં ધોકો,
સાવ અનોખા યાર અમારાં, સુરતના લોકો.
આંખોમાં સપનાં લઈ વહેલા ઊઠતા રોજ,
લોકો જ્યાં મસ્તી લૂંટવાનો કાયમ ગોતે મોકો,
સાવ અનોખા યાર અમારા સુરતના લોકો..!

ગજબનું શહેર છે યાર આ સુરત
રોડના એક કાંઠે તમને પૂર્ણ ભારતીય પોશાકવાળી સાડી સેંથાવાળી ગુજરાતણ સ્ત્રી જોવા મળે તો સામો કાંઠે બોલ્ડ ટાઇટ જીન્સ અને સ્લીવલેસ ટીશર્ટમાં છાનીમૂની ગલીમાં સિગારેટ પીતી કન્યા પણ જડી આવે.

રેલવે સ્ટેશન પર એક અજાણી છોકરીએ બારી બહાર ડોકું કાઢી એક છોકરાને પૂછયું કે, “કયું શહેર છે” છોકરો કહે, “ફ્રેન્ડશિપ કર તો કહું!” છોકરી હસીને બોલી કે સમજાઈ ગ્યું સુરત આવી ગ્યું!

જમીનના જ્યાં ભાવ છે માણસ કરતાં મોંઘા,
શીંગ રેવડી જેટલા થઈ ગયા શેરદલાલો સોંઘા;
ભાવ અને સ્વભાવ ગયા છે ઊંચા એને રોકો,
સાવ અનોખા યાર અમારા સુરતના લોકો..

સુરતનું પાણી થોડું વટવાળું છે. કો’ક કરોડનું ફુલેકું ફેરવે તોય એની ગામ નોંધ ન લ્યે; અને અડધી ચાનો આગ્રહ ન કરો તો ખોટું લાગી જાય.

અહીંયાં લોકો સૂઝથી નહીં પણ સેન્ટિમેન્ટ્સથી ધંધો કરે છે. અહીંયાં મોંઘાંદાટ લગ્નો થાય ઈ તો સમજ્યા પણ કરોડ કરોડ રૃપિયા પ્રાર્થના સભા કે સાદડીના સામિયાણાના પણ લોકો ચૂકવે છે. સુરતના લોકોને મૌત પણ શાનદાર જ ખપે છે.

મોંઘેરી ગાડી નખરાળી લાડી લઈને ભમવું,
ગામ આખાને રવિવારની સાંજે બહાર જ જમવું;
ફેશન પહેરી નીકળી ગયેલા જુવાનીયા’વને ટોકો,
સાવ અનોખા યાર અમારા સુરતના લોકો..

સેવાના અવતાર સમી છે જ્યાં સંસ્થાઓ સધ્ધર,
સ્વાભિમાનથી જેના લોકો હાલે વેંત એક અધ્ધર…
સાવ અનોખા યાર અમારા સુરતના લોકો….


You'll only receive email when they publish something new.

More from આર્ટિકલ લોન્જ - Vibes Gujarati
All posts