દેશને પરીક્ષાઓ માટે એક નવી પ્રણાલીની તાત્કાલિક જરૂર છે
June 25, 2026•483 words
પહેલી અસફળતા પછી નીટની ફરીથી લેવાયેલી પરીક્ષા કોઈ મોટી સમસ્યા વિના સંપન્ન થઈ ગઈ. પરંતુ ભારતનું પરીક્ષા-સંક્ટ માત્ર પેપર-લીક સુધી સીમિત નથી. આને એક પ્રણાલીગત નિષ્ફળતા તરીકે ઓળખવી જોઈએ. એનટીએએ 12 મેના રોજ નીટ-યુજીને રદ કરી દીધી, જ્યારે તેના થોડા દિવસો પહેલા જ 22.7 લાખ ઉમેદવારો તેમાં સામેલ થયા. હતા. બે વર્ષોમાં આ આ પ્રકારની બીજી ઘટના હતી. પરીક્ષાઓને રદ કરવી ભલે ક્યારેક-ક્યારેક આવશ્યક હોય, પરંતુ અંતતઃ આનાથી એ પ્રમાણિક વિદ્યાર્થીઓ જ દંડિત થાય છે, જેમણે નિયમોનું પાલન કર્યું હતું. ભારત આજે પણ દુનિયાની સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાંથી કેટલીકને એવા તંત્રના માધ્યમથી સંચાલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને વર્તમાન સમયના માપદંડ, જટિલતા અને પ્રોત્સાહનોને અનુરૂપ હજુ સુધી અપડેટ કરવામાં આવ્યું નથી. આ કોઈ એવી સમસ્યા નથી, જેને તાત્કાલિક દેખરેખના ઉપાયોથી હેન્ડલ કરી શકાય. ભારતમાં જે સ્કેલ પર પરીક્ષાઓ થાય છે, તેની દુનિયામાં બીજી મિસાલ નથી. એનટીએએ 2018થી 2023 વચ્ચે 244 પરીક્ષાઓ આયોજિત કરી. આ સમયગાળામાં ઉમેદવારોની સંખ્યા લગભગ બમણી થઈને આશરે 67 લાખથી વધીને લગભગ 122 લાખ થઈ ગઈ. માત્ર નીટમાં જ એક વારમાં 22–24 લાખ ઉમેદવારો સામેલ થાય છે. 2024માં ચીનની ગાઓકાઓ પરીક્ષા માટે 134.2 લાખ નોંધાયેલા ઉમેદવારો હતા, જ્યારે દક્ષિણ કોરિયાની સીએસએટી પરીક્ષામાં 2026 માટે લગભગ 5.54 લાખ અરજદારો હતા. ભારતની નીટ પરીક્ષા ગાઓકાઓથી તો નાની છે, પરંતુ કોરિયાની એકમાત્ર રાષ્ટ્રીય પરીક્ષાથી ક્યાંય મોટીછે. રાષ્ટ્રીય પરીક્ષાઓમાં 2024ના વિવાદો પછી ડો. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં ગઠિત ઉચ્ચ-સ્તરીય સમિતિએ બરાબર આ જ પડકારને ઓળખ્યો હતો. તેના અહેવાલમાં એનટીએના માધ્યમથી પરીક્ષાઓના પારદર્શક, સુચારુ અને નિષ્પક્ષ સંચાલન માટે વ્યાપક સુધારા માળખાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. સંદેશ સ્પષ્ટ હતો : આપણને પરીક્ષાઓ માટે એક નવી પ્રણાલીની આવશ્યકતા છે. પહેલો સુધારો સંસ્થાકીય હોવો જોઈએ. ટેકનોલોજી કોઈ નબળી સંસ્થાની ભરપાઈ કરી શક્તી નથી; વધુમાં વધુ તે માત્ર પ્રણાલીની નબળાઈઓને ડિજિટલ રૂપ જ આપી શકે છે. ભારતે એમટીએનું પુનર્નિર્માણ એક સ્થાયી, વ્યાવસાયિક અને મિશન-આધારિત મૂલ્યાંકન સંસ્થા તરીકે કરવું પડશે, જેમાં સાયકોમેટ્રિક્સ, સાયબર સુરક્ષા, લોજિસ્ટિક્સ, ડેટા વિશ્લેષણ, પેપર-સેટિંગ, વેન્ડર મેનેજમેન્ટ અને કાયદા અમલીકરણ જેવા ક્ષેત્રોમાં ઊંડી આંતરિક ક્ષમતા હોય. એક સીમિત ક્ષમતાવાળી એજન્સી- જે અત્યંત પ્રાઇવેટ વેન્ડર્સ, અસ્થાયી નિરીક્ષકો અને આઉટસોર્સ કરાયેલી પ્રક્રિયાઓ પર નિર્ભર હોય- ભારતની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાઓનો ભાર ઉઠાવી શકે નહીં. બીજો સુધારો પેપર-સેટિંગની પ્રક્રિયામાં થવો જોઈએ. સૌથી સુરક્ષિત પ્રશ્નપત્ર તે હોય છે, જેને કોઈ એક વ્યક્તિ ક્યારેય પૂરેપૂરું ન જોઈ શકે. આ જ યુપીએસસી અને જેઈઈ એડવાન્સ્ડની મોટી તાકાત છે ઃ મોટી અને ગુમનામ પેનલ, અલગ-અલગ સ્તરોમાં વિભાજિત વ્યવસ્થા, કેટલાક સમાંતર પેપર સેટ, રેન્ડમાઇઝેશન અને પ્રાઇવેટ ઇન્ટરમીડિયરીઝ માટે ન્યૂનતમ પહોંચ. આ માળખું સુનિશ્ચિત કરે છે કે જો વ્યવસ્થાની કોઈ કડી પ્રભાવિત પણ થઈ જાય, તો આખી પરીક્ષાપ્રભાવિત ન થાય. ત્રીજો સુધારો તકનીકી હોવો જોઈએ, પરંતુ ટેકનોલોજીએ વ્યવસ્થાને અનુરૂપ કામ કરવું જોઈએ. ભવિષ્ય મોટા અને સતત અપડેટ કરવામાં આવતા પ્રશ્ન બેંક, કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ અને સમયની સાથે એડેપ્ટિવ ટેસ્ટિંગમાં છે. આપણે ડિજિટલ પરીક્ષા માળખું પણ તૈયાર કરવું પડશે. રાધાકૃષ્ણન સમિતિના 7 હજાર કેન્દ્રીય વિદ્યાલયો અને અન્ય વિશ્વસનીય જાહેર સંસ્થાઓને સુરક્ષિત પરીક્ષા કેન્દ્રો તરીકે વિકસાવવાના પ્રસ્તાવને લાગુ કરવો જોઈએ. ઓળખ અને દેખરેખ વ્યવસ્થાને પણ વધુ મજબૂત કરવી પડશે. એઆઈનો ઉપયોગ પણ ફોરેન્સિક ઉપકરણ તરીકે કરી શકાય છે.