ધરતીને બચાવવાની નહીં, આપણી જીવવાની રીતો બદલવાની જરૂર છે
June 25, 2026•259 words
મનુષ્ય ધરતીને બચાવી શકે છે એવું માની લેવું આપણા અહંકારનું પ્રતીક છે. ચાર-સાડા ચાર અબજ વર્ષ જૂની આ પૃથ્વી આગ, બરફ, ઉલ્કાપાત અને અનેક પ્રજાતિઓની વિલુપ્તિ જોઈ ચૂકી છે. મનુષ્ય તો તેના ઇતિહાસમાં એક ખૂબ જ નાનો અધ્યાય છે. આપણે આ ધરતી પર એક અણુ પણ બનાવી શકતા નથી, રેતીનો કણ પણ જાતે પેદા કરી શકતા નથી, તેમ છતાં આપણે એવું વિચારીએ છીએ કે, આપણે આ ધરતીને બચાવી શકીએ છીએ. આપણે ધરતી કે સૃષ્ટિને નહીં પરંતુ ખુદને બચાવવાની જરૂર છે. સૃષ્ટિને આપણી જરૂર નથી, આપણને સૃષ્ટિની જરૂર છે.
જોકે, આધુનિક જીવનમાં દરેક ક્રિયા અને દરેક વપરાશ સાથે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હવા, પાણી અને માટીને પ્રદૂષિત કરીએ છીએ. એટલે કે, આપણે ખરેખર પોતાને, આપણા પોતાના શરીરને પ્રદૂષિત કરી રહ્યા છીએ. ક્યારેક મને આધુનિક માણસની સમજણ પર શંકા થાય છે. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેને કેવી રીતે પ્રદૂષિત કરી શકીએ છીએ? આપણે જે પાણી પીએ છીએ તેને કેવી રીતે પ્રદૂષિત કરી શકીએ છીએ? શું માણસ ખરેખર ભગવાનની સૌથી ઉત્કૃષ્ટ અને બુદ્ધિશાળી રચના છે?
આજનું જળવાયુ પરિવર્તન કુદરતી નથી. તે માનવસર્જિત છે અને ઝડપથી વધી રહ્યું છે. આપણે અશ્મિભૂત ઈંધણ બાળી રહ્યા છીએ, જંગલો કાપી રહ્યા છીએ અને વાતાવરણમાં કાર્બન ઉમેરી રહ્યા છીએ. હિમનદીઓ પીગળી રહી છે, હવામાન અસ્થિર બની રહ્યું છે અને આફતો વધી રહી છે. શું આ એ સંકેત નથી કે પૃથ્વી મરી રહી છે? તે એક સંકેત છે કે, માનવ સભ્યતા પોતાને નષ્ટ કરી રહી છે.
આપણી આવક જ્યારે મર્યાદિત હોય છે ત્યારે આપણાં ખર્ચ પણ મર્યાદિત થઈ જાય છે. એ જ રીતે આપણી ધરતી મર્યાદિત છે તો આપણે પોતાની જરૂરિયાતોને મર્યાદિત કેમ કરતા નથી?